Wednesday, April 15, 2020

દિનવિશેષ - 16 એપ્રિલ

◆ ઝીણાભાઈ રતનજી દેસાઈની જન્મ જયંતિ ◆


● જન્મ - 16 એપ્રિલ 1903 ચિખલી, ગુજરાત
● મૃત્યુ - 6 જાન્યુઆરી 1991 (87ની વયે)
● ઉપનામ - સ્નેહરશ્મિ
● વ્યવસાય - લેખક, અધ્યાપક
● શિક્ષણ - સ્નાતક
● શિક્ષણ સંસ્થા - ગુજરાત વિદ્યાપીઠ
● નોંધપાત્ર પુરસ્કારો - રણજિતરામ સુવર્ણચંદ્રક

● જીવન ●

તેમનો જન્મ ગુજરાતના ચિખલીમાં થયો હતો. તેઓ ૧૯૨૦માં મૅટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ થયા હતા. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૨૬માં ત્યાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. ૧૯૨૬-૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક. ૧૯૩૨-૩૩ માં બે-એક વર્ષ જેલવાસ. ૧૯૩૪માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય. ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક. ત્રણેકવાર ગુજરાતી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ. ૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

તેઓ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. ૬ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ તેમનું અવસાન થયું હતું.

● સર્જન ●

ગાંધીયુગના આદર્શોનું મૂલ્ય અને તત્કાલીન કપરી વાસ્તવિકતા પરત્વેની પ્રતિક્રિયામાં એમના સર્જનનાં મૂળ પડેલાં છે. ઊર્મિશીલતા, રંગદર્શિતા, રહસ્યમયતા અને લયમધુરતાની સામગ્રી એમના કાવ્યજગતને પોતીકી વિશિષ્ટતા અર્પે છે. અલબત્ત, સ્વાધીનતા અને દેશભક્તિનો સૂર એમના પ્રારંભના સંગ્રહોમાં પ્રમુખ છે, પણ પછી કવિસહજ સૌન્દર્યભિમુખ વલણ સ્પષ્ટ થતું આવે છે. અર્ધ્ય,પનઘટ, અતીતની પાંખમાંથી, ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ, નિજલીલા વગેરે એમના કાવ્યસંગ્રહો આ વાતની પ્રતીતિ કરાવે છે. જાપાની કાવ્યપ્રકાર હાઈકુ પ્રત્યેના પક્ષપાતે એમને હાઈકુઓના વિપુલ સર્જન તરફ પ્રેર્યા અને એથી એમના હાથે ગુજરાતી કાવ્યજગતમાં હાઈકુ સુપ્રતિષ્ઠ થયું છે. આ સંદર્ભમાં સોનેરી ચાંદ રૂપેરી સૂરજ, કેવળવીજ અને સનરાઈઝ ઑન સ્નૉપીક્સ જેવા હાઈકુસંગ્રહો રસપ્રદ છે.

તરાપો અને ઉજાણી એમના બાળકાવ્યોના સંગ્રહો છે. સકલ કવિતા એમની ૧૯૨૧ થી ૧૯૮૪ સુધીની તમામ કાવ્યરચનાઓનો સમસ્તગ્રંથ છે.

એમણે ધૂમકેતુનું અનુસંધાન જાળવી ઊર્મિપ્રધાન ટૂંકીવાર્તાઓ આપી છે; જેમાં જીવનમૂલ્યોનું જત વિશેષ રીતે ઊપસી આવતું જોઈ શકાય છે. ગાતા આસોપાલવ, તૂટેલા તાર, સ્વર્ગ અને પૃથ્વી મોટી બહેન, હીરાનાં લટકણિયાં, શ્રીફળ, કાલાટોપી સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ વગેરે એમના વાર્તાસંગ્રહો છે. એમની અંતરપટ નવલકથામાં વિવિધ પાત્રોને મુખે આપવીતી મૂકી કરેલું વિશિષ્ટ રચનાવિધાન સામાજિક અને સાંસ્કૃતિક પરિમાણોમાં વિચારપ્રેરક રીતે વિસ્તર્યું છે. મટોડુ ને તુલસી એમનો નાટકસંગ્રહ છે. ભારતના ઘડવૈયા એમનો ચરિત્રલેખસંગ્રહ છે. અભ્યાસી અને સહૃદય ભાવકની સંવેદનશીલતાનો પરિચય આપતો પ્રતિસાદ એમનો વિવેચનસંગ્રહ છે.

મારી દુનિયા, સાફલ્ય ટાણું ઊઘડે નવી ક્ષિતિજો માં વિસ્તરેલી એમની આત્મકથા કવિશિક્ષકની આંતરકથા તો છે જ, પણ સાથે સાથે તત્કાલીન રાજ્કીય અને સામાજિક પરિસ્થિતિઓના નિષ્કર્ષની અને મૂલ્યાંકનની કથા પણ છે. વ્યક્તિનિમિત્તે રચાયેલી આ યુગકથાનું સાંસ્કૃતિક મૂલ્ય ઊંચું છે.

ગાંધી કાવ્ય, સાહિત્યપલ્લવ અને સાહિત્ય પાઠાવલિ એમનાં સંપાદનો છે.

'પનઘટ': ‘સ્નેહરશ્મિ’ નો, એમના ‘અર્ધ્ય’નો અનુગામી કાવ્યસંગ્રહ. ‘સૂરજ આવોને !’, ‘હરિ આવોને !’, ‘કોણ ફરી બોલાવે ?’, ‘કોણ રોકે ?’ જેવાં મધુર ને અર્થવાહક ઊર્મિગીતો, ‘અગ્નિસ્નાન’ અને ‘ઘડાતા ઇતિહાસનું એક પાનું’ જેવાં દીર્ઘકાવ્યો તેમ જ થોડાંક રોચક સૉનેટો આ સંગ્રહનું આકર્ષણ છે. ઉપરાંત, તત્કાલીન સામાજિક સંપ્રજ્ઞતા અને સ્વાધીનતાપરક સંવેદનો દર્શાવતી રચનાઓ પણ અહીં છે. અહીં પ્રણય, સૌન્દર્ય અને સંસ્કારિતાનાં મૂલ્યોનું પ્રાધાન્ય છે અને એમાં ચિંતન કરતાં ઊર્મિનું નિરૂપણ વધુ સુભગ છે.

'સોનેરી ચાંદ રૂપેરી સૂરજ : ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’નો ૩૫૯ હાઈકુ અને ૬ તાનકા કાવ્યો સમાવતો હાઈકુસંગ્રહ. હાઈકુના સ્વરૂપની એમાં પ્રતિષ્ઠા છે. મૂળ તાનકામાંથી ઊતરી આવેલો જાપાની કાવ્યપ્રકાર હાઈકુ સત્તર શ્રુતિની લાઘવયુક્ત રચના છે. ક્ષણનો સૌંદર્યાનુભવ એમાં કલ્પનરૂપે અભિવ્યક્તિ પામ્યો હોય છે. ઘટકતત્વોની સ્પર્શક્ષમતા વસ્તુલક્ષિતા, સ્ફોટકતા ને તાજગી એની લાક્ષણિકતા છે. આ સંગ્રહમાં ઉક્ત લક્ષણો સાથે કવિકલ્પના અને કવિત્વશક્તિનો સુપેરે પરિચય થાય છે. અનેક રચનાઓ એનાં લાઘવ, સફાઈ, લયની પરખ અને હાઈકુના સ્વરૂપ પરની કવિની હથોટીની પ્રતીતિ કરાવે છે. અનેક કૃતિઓમાં કલ્પનાના પ્રાબલ્ય સાથે વ્યંજકતા પ્રગટે છે. અન્યોક્તિની ક્ષમતા પણ ઠેરઠેર વરતાય છે.

ગાતા આસોપાલવ : સ્નેહરશ્મિનો વાર્તાસંગ્રહ. આ વાર્તાઓ છે એથી વધુ વાતો છે. અહીં કુલ સત્તર વાતો મૂકી છે. લેખકે જેલના એકાન્તવાસ દરમિયાન જે જોયું, અનુભવ્યું, સાંભળ્યું ને વાંચ્યું તેમાંથી નીપજેલા અનેક પ્રશ્નો અને પ્રસંગોને આ ટૂંકી વાર્તામાં વણ્યા છે. આ બધામાં, ‘હસનની ઈજાર’ રશિયનમાંથી કરેલો ગુજરાતી અનુવાદ છે અને ‘કવિ’ આ જ વાર્તા પરથી સૂચિત રીતે કહેવાયેલી વાત છે. ‘ગરીબનો દીકરો’ એક સાચી બનેલી ઘટના છે. ઊર્મિલ રજૂઆત, વાયવી સૃષ્ટિ, ભાવુક પાત્રો, કાવ્યાભાસી ગદ્ય અને જીવનમૂલ્યોની મુખરતા એ આ વાતોનાં મુખ્ય લક્ષણો છે.

'મારી દુનિયા સાફલ્યટાણું' ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ ની આત્મકથા. વતન ચીખલીથી આરંભાતી આ કથાનો પ્રથમ ખંડ માતા, પિતા, મામા, ગામ ને નદીનો પરિવેશ, શાળાઓ શિક્ષકોના અનુભવોની દુનિયાનું આલેખન કરે છે. એમાં નિખાલસ કબૂલાત કરતા સંવેદનશીલ રીતે જીવતા કિશોરનું વ્યક્તિત્વ તો ઊપસે જ છે, સાથે સાથે તત્કાલીન રાજ્કીય, સામાજિક અને શૈક્ષણિક વ્યવસ્થાનો અણસાર પણ સાંપડે છે; તેમ જ એમની કેટલીક કૃતિઓના જીવનસંદર્ભોની સામગ્રીનો પરિચય થાય છે. ‘મારી દુનિયા’ ૧૯૨૦ ની આસપાસ અસહકારની લડત આગળ શાળાજીવનની વિદાય સાથે પૂરી થાય છે; તો ‘સાફલ્યટાણું’ અસહકારના આહવાનથી શરૂ થઈ ૧૯૩૩ ની આસપાસ સમાપ્ત થાય છે. તેર વર્ષની આ કથામાં ગાંધીજીનો, ગાંધીજીપ્રેર્યા વાતાવરણનો, ગાંધીજીની આસપાસની વ્યક્તિઓનો અને આઝાદીની લડતનો દસ્તાવેજી પ્રત્યક્ષ ચિતાર છે. સ્નેહરશ્મિના ઘડતરનાં આ વર્ષોમાં ગૂજરાત વિદ્યાપીઠનો જીવંત ઇતિહાસ ધબકે છે. લેખકની તકેદારી અને સમજદારીને સતત વ્યક્ત કરતી પ્રવાહી ગદ્યશૈલી આસ્વાદ્ય છે. એમની આત્મકથા આ પછી ‘ઊઘડે નવી ક્ષિતિજ’ અને ‘દિવસ ઊગ્યો અને’ ના વધુ ભાગોમાં આગળ ચાલે છે.

કાવ્યગ્રંથો: અર્ધ્ય, પનઘટ, અતીતની પાંખમાં, ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ, નિજલીલા તરાપો, ઉજણી વગેરે.

તેમણે જાપાનીઝ સાહિત્યના હાઇકુ પ્રકારના કાવ્યોને ગુજરાતી ભાષામાં રચના કરી જાણીતું કર્યું.

◆ પુરસ્કાર

૧૯૬૧માં તેમને શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો હતો. ૧૯૬૭માં તેમનો રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૮૫માં નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો.

◆ સંકલન - દિલીપસિંહ ગોહિલ
સંદર્ભ - ઈન્ટરનેટ અને વિકિપીડિયા

No comments:

Post a Comment