સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ... વામૈયા પ્રાથમિક શાળા
● જીવન પરિચય ●
શૂન્ય સાથે ગણતરી કરવાના નિયમો આપવામાં બ્રહ્મગુપ્ત પ્રથમ હતા. તેમના દ્વારા રચેલા ગ્રંથો સંસ્કૃતમાં શ્લોક રૂપે છે, જે ભારતીય ગણિતની પ્રચલિત પ્રથા હતી. તેમના ગ્રંથોમાં કોઇ સાબિતી આપેલી નથી એટલે તેના પરિણામો કેવી રીતે મળ્યા તે હજુ જાણીતું નથી.
બ્રહ્મગુપ્તનો જન્મ તેમના પોતાના કથન અનુસાર ઇ.સ. ૫૯૮માં થયો હતો. તેઓ ચાવડા વંશના શાસક વ્યાગ્રહમુખના શાસન દરમિયાન ભીનમાલમાં (હાલમાં રાજસ્થાનમાં) રહેતા હતા. તેઓ જિષ્ણુગુપ્તના પુત્ર હતા, જેઓ શૈવ સંપ્રદાયના હતા. મોટા ભાગના વિદ્વાનો માને છે તેમનો જન્મ ભીનમાલમાં થયો હતો પરંતુ તેના કોઇ સચોટ પુરાવા નથી. જોકે, તેઓ ત્યાં રહેતા હતા અને જીવનનો મોટાભાગનો સમય ત્યાં પસાર કર્યો હતો. એક ટીકાકાર પ્રિથુદકા સ્વામીએ તેમને ભીનમાલાચાર્ય તરીકે ઓળખ્યા છે. સમાજશાસ્ત્રી જી. એસ. ઘુર્યે તેમને મુલ્તાન અથા આબુના માને છે.
હ્યુ-એન-ત્સાંગ દ્વારા ભીનમાલને પી-લો-મો-લો તરીકે ઓળખવામાં આવ્યું છે, પશ્ચિમ ભારતના બીજા સૌથી મોટા રાજ્ય ગુર્જરદેશની રાજધાની હતું, તેમાં હાલના રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ગુજરાતના ઉત્તર ભાગનો સમાવેશ થતો હતો. તે ગણિત અને ખગોળશાસ્ત્રના અભ્યાસનું પણ એક મુખ્ય કેન્દ્ર હતું. બ્રહ્મગુપ્ત ખગોળશાસ્ત્રની શાળા બ્રહ્મપક્ષ શાળાના ખગોળશાસ્ત્રી બન્યા હતા, જે તે સમયની ભારતીય ખગોળશાસ્ત્રની ચાર મુખ્ય શાળાઓમાંની એક હતી. તેમણે ભારતીય ખગોળશાસ્ત્રના પાંચ પરંપરાગત સિદ્ધાંતો પર કામ કર્યું હતું. તેમજ અન્ય ભારતીય ખગોળશાસ્ત્રીઓ આર્યભટ્ટ, લાટદેવ, પ્રદ્યુમ્ન, વરાહમિહિર, સિંહ, શ્રીસેન, વિજયનંદિન અને વિષ્ણુચંદ્રના કાર્યોનો અભ્યાસ કર્યો હતો.
ઇ.સ. ૬૨૮માં ૩૦ વર્ષની વયે તેમણે બ્રહ્મસ્કૂટસિદ્ધાંતની રચના કરી હોવાનું મનાય છે, જે બ્રહ્મપક્ષ શાળાના સિદ્ધાંતોની સુધારેલી આવૃત્તિ મનાય છે. વિદ્વાનો માને છે કે તેમણે તેમની આવૃત્તિમાં પોતાની મૌલિક્તા ઉમેરી હતી અને ઘણી નવી સામગ્રીનો સમાવેશ કર્યો હતો. આ પુસ્તક ૨૪ પ્રકરણો અને ૧૦૦૮ છંદોનો સમાવેશ કરે છે. ખગોળશાસ્ત્રની સાથે તે ગણિત, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ અને અલગોરિથમના વિષયોનો પણ સમાવેશ કરે છે, જે બ્રહ્મગુપ્તની મૌલિકતાનો સમાવેશ કરે છે.
બ્રહ્મગુપ્ત પાછળથી ઉજ્જૈનમાં સ્થાયી થયા હતા, જે ખગોળશાસ્ત્રના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર હતું. ૬૭ વર્ષની વયે તેમણે તેમનો બીજો અત્યંત જાણીતો ગ્રંથ ખંડઅખંડ્યકા લખ્યો હતો, જે ભારતીય ખગોળશાસ્ત્રના અભ્યાસુ માટેનો વ્યવહારુ ગ્રંથ છે.
બ્રહ્મગુપ્ત ઇ.સ. ૬૬૫ થી વધુ સમય માટે જીવિત હતા. એવું મનાય છે કે તેમનું મૃત્યુ ઉજ્જૈનમાં થયું હતું.
● સિદ્ધિઓ ●
વિજ્ઞાન ઇતિહાસકાર જયોર્જ સર્ટોન તેમને તેમના સમયના સૌથી મહાન વૈજ્ઞાનિકોમાંના એક ગણે છે. બ્રહ્મગુપ્તનું ગણિત ભાસ્કરાચાર્ય વડે આગળ ધપાવવામાં આવ્યું હતું. ભાસ્કારાચાર્યે તેમને ગણક-ચક્ર-ચુડામણિ (ગણિતશાસ્ત્રીઓમાં રત્ન) કહ્યા છે. પ્રિથુદકા સ્વામીએ તેમના બંને ગ્રંથો પર ટીકા લખી છે, અને જટિલ શ્લોકોને સરળ ભાષા અને રેખાચિત્રો વડે સરળ બનાવ્યા છે. લલ્લા અને ભટ્ટોપલાએ, ૮ મી અને ૯મી સદીમાં ખંડઅખંડ્યકા પર ટીકા લખી છે. ૧૨મી સદીમાં તેમના ગ્રંથો પર વધુ વિવેચન થયેલું જોવા મળે છે.
બ્રહ્મગુપ્તના મૃત્યુના થોડા દાયકાઓ પછી ઇ.સ. ૭૧૨માં સિંધ આરબ શાસન હેઠળ આવ્યું હતું. ગુર્જરદેશ પર પણ આક્રમણ થયું હતું. ભીનમાલનું રાજ્ય આ આક્રમણ હેઠળ આવ્યું હતું પરંતુ ઉજ્જૈને આ આક્રમણો ખાળી કાઢ્યા હતા. ખલીફા અલ-મન્સુર (૭૫૪-૭૭૫)ના દરબારમાં કનક નામના ખગોળશાસ્ત્રી મોકલવામાં આવ્યા હતા, જેમણે કદાચ યાદ રાખેલ ભારતીય ખગોળગ્રંથોનું, જેમાં બ્રહ્મગુપ્તના ગ્રંથોનો પણ સમાવેશ થયો હતો, અરબી ભાષામાં મહંમદ-અલ-ફઝારી વડે ભાષાંતર કરવામાં આવ્યું હતું, જેને સિંધહિંદ અને અરાખંડ નામ અપાયું હતું. જેનું તાત્કાલિક પરિણામ ગ્રંથોમાં વપરાયેલ દશાંશ પદ્ધતિ હતી. અલ-ખ્વારીઝમી (૮૦૦ - ૮૫૦) નામના ગણિતશાસ્ત્રીએ અલ-જામ વાલ-તારિફ બી હિસાલ-અલ-હિંદ (ભારતીય ગણિતશાસ્ત્રમાં સરવાળા અને બાદબાકી) નામનો ગ્રંથ લખ્યો જે ૧૩મી સદીમાં અલ્ગોરિથમિ ડી ન્યૂમરો ઇન્ડોરમ નામે ભાષાંતરિત થયો હતો. આ ગ્રંથો દ્વારા દશાંશ પદ્ધિતિ અને બ્રહ્મગુપ્તના પ્રમેયો અને અલગોરિથમ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયા. અલ-ખ્વારિઝમીએ સિંધહિંદની પોતાની આવૃત્તિ પણ લખી હતી, જે અલ-ફઝારીની આવૃત્તિમાં રેખાચિત્રો તેમજ ટોલેમીનું ગણિત સમાવેશ કરતી હતી. ભારતીય ખગોળશાસ્ત્ર સદીઓ સુધી સમગ્ર વિશ્વમાં, પ્રાચીન લેટિન લખાણો પહેલાં પહોંચી ગયું હતું.
આ માહિતી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને ખુબજ ઉપયોગી સાબિત થશે.
ReplyDelete