Monday, October 15, 2018

ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ

★ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ



"આપણા દરેકમાં એક પવિત્ર આગ હોય છે. આપણા પ્રયત્નો આ આગને પાંખ આપવાના હોવા જોઈએ,અને તેનાથી વિશ્વને પ્રકાશિત કરવું જોઈએ."
– શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ 

કલામ ! આ દેશનું સૌથી સન્માનિત નામ. તમે ચાહો તો પણ તમે આ નામને તમારી નજર સામે નીચે ના કરી શકો. હા, આજે અવુલ પકીર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ એટલે તે લોકલાડીલા,દેશભરનાં વિદ્યાર્થીઓના સૌથી પ્રિય અને લોકોના રાષ્ટ્રપતિ એવા શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જીવનગાથાની સફર કરીયે.

★ શરૂઆતનું જીવન અને બાળપણ

તેમનો જન્મ રામેશ્વરમના એક મઘ્યવર્ગના પરિવારમાં થયો હતો. પિતા જૈનુલબ્દિન બોટના માલિક અને ત્યાંની મસ્જિદના ઇમામ હતા.

માતા આશિમા ગૃહિણી. પિતા માછીમારોને બોટ ભાડા પર આપતા અને આ રીતે ગુજરાન થતું. પરિવાર એક સંયુક્ત પરિવાર હતો. તેઓ કુલ પાંચ ભાઈ-બહેન હતા. કુલ 3 પરિવાર એક જ છત નીચે રહેતાં હતાં. અબ્દુલ કલામના જીવન પર તેમના પિતાનો ખૂબ જ પ્રભાવ રહ્યો. તેઓ ભલે ભણેલાં નહોતા, પણ તેમના દ્વારા થયેલું સંસ્કારનું સિંચન થી જ તેઓ આજે આપણા દેશનાં કદાચ સૌથી સન્માનિત વ્યક્તિ છે. સંસ્કાર પર કલામ સાહેબનું ઉદાહરણ આપતાં ગ્રાન્ડમાસ્ટર શીફૂજી એવું પણ કહે છે કે  …

“सब कुछ परवरिश का खेल है जनाब , वरना जिस ‘क’ से कलाम बनता है उसी ‘क’ से ‘कसाब’ भी बनता है ।“

અબ્દુલ કલામના શિક્ષક સબ્રમણિય ઐયર
તેમના શિક્ષણની શરૂઆત 5 વર્ષના હતા ત્યારથી ગામની પ્રાથમિક શાળામાંથી થઇ.કલામ સાહેબ તેમનું શિક્ષણ ચાલુ રહે તે માટે છાપું આપવા નીકળી જતા અને પરિવારને આર્થિક સહાય કરતાં. તેમના શિક્ષક જેનો તેઓ તેમના જીવનમાં વારંવાર રટણ કરતા રહ્યા તે ‘શ્રી શિવા સુબ્રમણિય ઐયર’. જેઓએ તેમના ઘડતરમાં સૌથી અગત્યનો ભાગ ભજવ્યો. તેમણે જ કલામ સાહેબને વિજ્ઞાન વિષયના પારંગત બનાવ્યા. અને કલામ સાહેબને જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કરતાં કહ્યું હતું કે… “કલામ, હું તને ખૂબ આગળ વધતો જોવા માંગુ છું. શહેરના લોકોની સમક્ષ ઉભો રહેલો જોવા માંગુ છું.” સુબ્રમણિય પછી તેમના શિક્ષક ઇયદુરાઈ સોલેમોન રહ્યા. તેમના શિક્ષક ઇયદુરાઈ સોલેમોને તેમને કહ્યું હતું કે “જીવન માં સફળ થવા માટે તીવ્ર ઈચ્છા, આસ્થ, અને અપેક્ષા આ ત્રણ શક્તિઓને સારી રીતે સમજી લેવું અને તેના પર પોતાનું પ્રભુત્વ રાખવું.”

તેઓ વિદ્યાર્થી તરીકે એક ઠીક વિદ્યાર્થી હતા. ભલે તેમના ગ્રેડ ઓછા હોતા પણ તેમના સપનાઓ ક્યારે નાના નહોતા.તેઓ કલાકો સુધી ગણિત વિષય પર વધારે મેહનત કરતા. તેઓ સેન્ટ જોસેફ સ્કુલમાંથી ભણીને નીકળ્યા પછી તેઓ 1954માં  ‘યુનિવર્સીટી ઓફ મદ્રાસ’ માંથી ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક થયા. 1960માં સ્નાતક થયા પછી તેઓ DRDO(ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન)માં જોડાયા. 1962માં તેઓ ISRO(ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) માં જોડાયા. અહીં તેમને મહત્વનના પ્રોજેક્ટ્સમાં તેમની મહત્વની ભૂમિકા નિભાવી

★ વૈજ્ઞાનિક તરીકેનું જીવન

યુનિવર્સીટી ઓફ મદ્રાસ માંથી 1960માં સ્નાતક થયા પછી DRDO નાં ‘એરોનૉટિકલ ડેવલોપમેન્ટ એસ્ટાબલીશમેન્ટ’ વિભાગમાં જોડાયા. તેઓએ અહીં ‘ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ’ માં વિક્રમભાઈ સારાભાઈના હાથ નીચે કામ પણ કરેલું.1969માં તેમની બદલી ISRO(ઈસરો) માં કરવામાં આવી. જ્યાં તેઓ ભારતના પેહલા ‘ઉપગ્રહ પ્રક્ષેપણ યાન'(Satellite Launch Vehicle) પ્રોજેક્ટ ડાયરેક્ટર રહ્યા, જેણે ભારતની ત્રીજી સેટેલાઇટ એવી ‘રોહીણી’ નું 1980માં સફળ પ્રક્ષેપણ કરેલું. તેમણે રોકેટ પ્રોજેક્ટ પર સ્વતંત્ર રીતે કામ કરવાની શરૂઆત DRDO માં 1965થી કરેલી. 1969માં તેમને સરકાર તરફથી તેમના આ પ્રોજેક્ટ માટે પરવાનો અને વધુ એન્જીનિયરો મળી ગયા. 1963-64માં તેઓ NASAની મુલાકાતે ગયેલાં. 1970-90માં તેમના બધાજ પ્રયાસો PSLV(પોલાર સેટેલાઇટ લોન્ચ વિહીકલ) અને SLV-III ને વિકસવાના રહ્યા. અને બંનેમાં તેઓ સફળ રહ્યા. 1970માં તેઓએ ‘પ્રોજેક્ટ ડેવિલ’ અને ‘પ્રોજેક્ટ વૅલીયન્ટ’ ના ડાયરેક્ટર રહ્યા. 1974માં રાજા રામાન્નાએ તેમને ભારતના પહેલા ન્યુક્લિયર પરીક્ષણ(પોખરણ 1) ના સાક્ષી તરીકે આમંત્રણ મોકલ્યું. તેઓએ ‘ચીફ સાયન્ટિફિક એડવાઈઝર ઓફ પ્રાઈમ મિનિસ્ટર’ અને DRDOના સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી. 1990માં તેમના હાથ નીચે અગ્નિ-2નું સફળ પરીક્ષણ થયું .

1998માં કાર્ડિયોલોજિસ્ટ ‘સોમા રાજુ’ ની સાથે મળી ને સૌથી ઓછા ભાવનું ‘કોરોનરી સ્ટેન્ટ'(હૃદય માટે ટ્યુબ) બનાવ્યું. જેને ‘કલામ-રાજુ સ્ટેન્ટ’ નામ આપ્યું. 2012માં આ બંને એ ટેબ્લેટ કોમ્પ્યુટર પણ વિકસાવ્યું જેનું નામ ‘કલામ-રાજુ ટેબ્લેટ’ રાખ્યું.

★ અબ્દુલ કલામના જીવનમાંથી શીખવા જેવી બાબતો !

તેમનું તો જીવન જ આખું આપણા માટે બોધપાઠથી ભરેલું છે. મેં અહીં આજે જે દરેક વ્યક્તિને અતિ મહત્વના છે તેવા થોડા ગણા મુદ્દા ટુકડે ટુકડે ભેગા કરી વર્ણવ્યા છે.

સંકટ સમયે શરણાગતિ ના સ્વીકારો,પણ લડો : એક મધ્યમવર્ગ પરિવારમાં જન્મેલાં કલામે તેમના પરિવારની આર્થિક સ્થિતિથી ક્યારેય હતાશ ના થયા. તેમના પિતા બોટ ભાડે આપી તેમાંથી આવતી આવકનું ગુજરાન ચલાવતાં. જયારે સુબ્રમણિય સાહેબે તેમને ભણવાનું સપનું દેખાડ્યું, ઉડવાનું સપનું દેખાડ્યું ત્યારથી ભણવાની જોરદાર ધગસ લાગી. પોતાનાં પરિવાર અને ભણવાનો ખર્ચો નીકળે તે માટે છાપાં વહેંચવાનું ચાલુ કર્યું.
હંમેશા કાર્યરત બનો : 80 વર્ષથી વધુ ઉંમરના થયા તો પણ લોકોને પ્રેરણા આપવાનું બંધ ના કર્યું. તેમનો જીવનસંદેશ અને બોધપાઠ વધુ ને વધુ લોકો સુધી પ્રસરાવતા ગયા. આપણી ઘરની આસપાસનાં 80+ જે વૃદ્ધો હશે તેમની કલ્પના કલામ સાહેબ સાથે ખરી ? બીજી એક વાર, તેમનું મૃત્યુ પણ 84 વર્ષે શિલોન્ગની IIMમાં ભાષણ આપતા જ થયું.
 વિનયશીલ બનો,ભલે તમે દેશના ઉચ્ચ વ્યક્તિ હોવ : જયારે તેઓ દેશના 11માં રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે રાષ્ટ્રપતિભવનનાં ઉચ્ચકક્ષાનાં જેટલા રૂમ હતા એ બધા સ્ટાફને લોક કરાવી દેવા જણાવ્યું અને પોતે એક નાનકડાં રૂમમાં રહેવાનું અને કામ બંને કરતાં. બીજો એક પ્રસંગ, તેમના રાષ્ટ્રપતિ તરીકેના શાસનકાળ દરમિયાન તેમને તેમના જે સબંધીઓ અને મિત્રો મળવા આવતા તેમને મેહમાન કક્ષમાં સગવડ પુરી પડી તેમનો બધો ખર્ચો પોતાનાં પગારમાંથી આપતાં.
સપનાંઓની પાછળ ભાગો,ભલેને ગમે તેટલાં મુશ્કેલ હોય : સુબ્રમણિય સાહેબે તેમને આકાશમાં ઉડવાનું સપનું દેખાડ્યું પછી તો કલામ ક્યારેય ઉભા નથી રહ્યા. પડ્યા તો ઉભા થઇને પણ સપના પાછળ દોડ્યા. આર્થિક સ્થિતિ નબળી છે તો શું થઇ ગયું ? છાપાં વહેંચીને પણ હું મારા સપના પુરા કરીશ એવી એક ધગસ તેમના મનમાં જાગી ગઈ હતી.
ધર્મ(સંપ્રદાય) એટલે શું ? : આજે દેશમાં ધર્મના નામે કેટલાય ખરાબ કર્યો થાય છે,અને એમાંય એમાંય હિન્દૂ-મુસ્લિમ તો ખાસ .ખરેખર જો અબ્દુલ કલામ હોત તો તેમને ખૂબ જ દુઃખ થાત. તેઓ ધર્મ ની વ્યાખ્યા આપતા કહે છે કે “સારા લોકો માટે ધર્મ એટલે નવા મિત્રો બનવાનો માર્ગ અને ખરાબ લોકો માટે ધર્મ એટલે સંઘર્ષનું સાધન ! તેમનો આ ગુણ એ તેમના પરિવારમાંથી અને તેમના આસપાસના વાતાવરણમાંથી મેળેલો. તેમના પિતા રામેશ્વરમના શિવ મંદિરના પૂજારી શ્રી લક્ષ્મણશાસ્ત્રીના ખાસ મિત્ર હતા. તેમના શાળાના મિત્રો પણ અલગ અલગ સંપ્રદાયના હતા.

No comments:

Post a Comment