Tuesday, October 30, 2018

"લોખંડી પુરુષ" સરદાર પટેલ

★ સરદાર વલ્લભભાઈ પટેલ ★


સંપાદક :- ગોહિલ દિલીપસિંહ પી.

ઉ.શિ.. વામૈયા પ્રાથમિક શાળા


સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય
તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.

★ જન્મ અને બાળપણ

વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીઆદ - ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી.
 તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ (કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બહેન - દહીબા હતા.

નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા.
૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી.

★ જીવન કથા

શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા. અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું. અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટે પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચયિતા હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.

★ અંતિમ દિવસો

સરદારની તબિયત ૧૯૫૦ના ઉનાળા દરમ્યાન બગડતી ગઈ. તેમને પછીથી ઉધરસમાં લોહી નીકળતું હતું અને ત્યારે મણીબેને તેમની મંત્રણાઓ તેમજ કામ કરવાના કલાકોમાં ઘટાડો કરાવ્યા હતો તથા સરદારની દેખરેખ માટે વ્યક્તિગત વૈદ્યકીય મદદ તથા પરીચારકોનો પ્રબંધ કરાવ્યો હતો. પશ્ચિમ બંગાળના ગર્વનર તથા ડોક્ટકર બિધાન રોયએ સરદારને તેમના અનિવાર્ય અંતની બાબતમાં રમુજ કરતા સાંભળ્યા હતા તેમજ એક ખાનગી મંત્રણા વખતે સરદારે તેમના મંત્રીય સહકાર્યકર ન. વ. ગાડગીલને નિખાલસતાથી કહ્યું હતું કે પોતે લાંબુ જીવશે નહી. બીજી નવેમ્બરથી, કે જ્યારે સરદાર વારંવાર શુધ્ધી ખોઈ બેસતા હતા, ત્યારથી તેમની હિલચાલ તેમના પલંગ સુધી સીમિત રાખવામાં આવી હતી. ૧૨ ડિસેમ્બરે જ્યારે તેઓ તેમના મુંબઈ સ્થિત દિકરા, ડાહ્યાભાઈના ઘરે આરામ કરવા વિમાન પ્રવાસ કરવાના હતા ત્યારે તેમની તબીયત નજુક હતી અને નેહરુ તેમજ રાજગોપાલાચારી તેમને વિમાનમથકે મળવા ગયા હતા.
૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે તેમને મોટા હ્રદય હુમાલો થયો હતો (તેમનો બીજો) કે જેના લીધે તેમનુ દેહાંત થયું હતુ. તે દિવસે અભુતપુર્વ તેમજ અનન્ય ઘટનામાં ભારતીય સનદી સેવા તેમજ પોલીસ સેવાના ૧૫૦૦ અધિકારીઓ સરદારના દિલ્હી સ્થીત તેમના રહેઠાણે તેમના દેહાંતના દુ:ખમાં સહભાગી થવા મળ્યા હતા અને તેઓએ પ્રણ લીધું હતું કે તેઓ ભારતની સેવા ‘પુર્ણ વફાદારી તેમજ અવરિત ઉત્સાહ’ સાથે કરશે. સરદારનો અગ્નિદાહ મુંબઈના સોનાપુર સ્થિત કરવામાં આવ્યો હતો અને ત્યાં મોટો જનસમુદાય તેમજ નેહરુ, રાજગોપાલાચારી અને રાષ્ટ્રપતી પ્રસાદ હાજર હતા. 


★ આભાર ★


No comments:

Post a Comment