Wednesday, June 12, 2019

વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ

◆ સંકલન :- દિલીપસિંહ ગોહિલ
◆ ઉ.શિ...વામૈયા પ્રાથમિક શાળા


વિશ્વ મજુર સંગઠન – International Labour Organization એટલે કે ILO એ United Nations ની સંસ્થા છે. અને દુનિયામાં કાર્ય – work ને લગતી બાબતો ઉપર નજર રાખે છે અથવા નિયંત્રિત કરે છે. વર્ષ 2002 માં બાળ-મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી ILO એ દર વર્ષે 12 જૂનનો દિવસ બાળ-મજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ત્યારથી દર વર્ષે આખી દુનિયાની સાથો સાથ ભારતમાં પણ 12 જૂન બાળ-મજુરી વિરોધ દિન તરીકે મનાવાય છે.
મિત્રો, બાળ-મજુરી એ વર્તમાન સમાજનું કલંક છે. પહેલાના સમાજોમાં જ્યારે જાગૃતિનો અભાવ હતો ત્યારની વાત ના કરતા આજે આપણે બાળ-મજુરીના કલંકને દૂર કરવા કમર કસવી પડે તેમ છે, કારણ કે લાખો-કરોડો બાળકોનું આપણે બાળપણ છીનવી રહ્યા છીએ. કોઈ પણ બાળકને પુખ્ત થયા પહેલા બાળ-મજુરીમાં ધકેલી દેવાથી તેનો અભ્યાસ, સાધારણ વિકાસ, રમત-ગમત તેમજ મનોરંજનનો અધિકાર છીનવાઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં આવા બાળકો ગુનાખોરી કે વ્યસનની લતે ચડી જાય છે.
કેટલાય ભણવાની ઉમરના બાળકો ઘરકામ, ચાની કીટલી કે હોટલમાં મજુરી તો અનેક બાળકો જોખમી ઔદ્યોગિક કામોમાં પણ લગાડી દેવાય છે. ખેતીકામ, ગૃહઉદ્યોગ, ઢોર ચરાવવા જેવા કામો પણ અનેક બાળકોએ કુમળી વયમાં કરવા પડે છે. આ તમામથી અતિ ગંભીર એવા ભીખ માગવામાં અને કેટલાક કિસ્સાઓમાં ડ્રગ-ટ્રાફિકિંગ માટે પણ બાળકોનો ઉપયોગ થાય છે અને ક્યારેક વેઠ પણ કરાવાય છે. વળી, બાળકીઓના કિસ્સાઓમાં નાની ઉમરમાં વેશ્યા-વૃત્તિ જેવા અતિ નિમ્ન કક્ષાના કાર્યો બળજબરીથી કરાવાય છે એ જાણીને આપણને આપણા સમાજ ઉપર શરમ આવવી જોઈએ. આમ છતાં સમાજની નબળાઈઓ સમાજે જ દૂર કરવી રહી એ નાતે આવો આપણે સૌ બાળ-મજૂરીને તેના દરેક સ્વરૂપે સમાજમાંથી દૂર કરવા બનતું બધું જ કરી છૂટીએ …
ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં અનેક કર્યો સમાજ અને સરકારે કરવાના હોય છે, જેનાથી સાચા અર્થમાં લોકશાહીઅને વિકાસના ફળ લોકો અને ખાસ કરીને જેને જરૂર છે તેવા લોકો સુધી પહોચાડી શકાય. બાળ મજૂરીના દૂષણનો ખાતમો એ એવું જ કરી છે. જેના વિના આપણી એકરૂપ, સમરસ કે વિકસિત સમાજની વાતો એ માત્ર વાતો જ છે. બાળ-મજૂરી વિરોધ દિવસ એ ફક્ત ઔપચારિક્તા ના રહેતા સાર્થક કાર્ય બને તે જોવાનું દરેક જાગૃત નાગરિકનું નૈતિક કર્તવ્ય છે.
૧૪ વર્ષથી ઓછી ઉમર ધરાવનાર કોઇ પણ બાળકને કોઇ પણ કારખાનામાં અથવા ખાણમાં કે અન્ય કોઇ પણ જોખમકારક કામમાં રોજગાર અર્થે રોકવા જોઇએ નહિ (કલમ ૨૪).
શાસને કામદારો, પુરુષો અને સ્ત્રીઓના આરોગ્ય અને બળને સુરક્ષિત કરવા માટેની તેની નીતિઓ દર્શાવવામાં આવેલ બાળકની ઉંમરનું ઉલંઘન કરે નહિ અને તેઓ આર્થિક જરૂરિયાતના કારણે તેની ઉંમરને અનુરૂપ ના હોય તેવા રોજગારમાં પ્રવેશવા માટે દબાણ ના કરવામાં આવે (કલમ ૩૯-ઇ).
બાળકો તંદુરસ્ત રીતે, આઝાદીથી અને સ્વમાનથી વિકાસ કરી શકે તે માટેની તકો અને સુવિધાઓ પૂરી પાડવી જોઇએ અને બાળપણ અને યૌવનને નૈતિક અને ભૌતિક સ્વચ્છંદતાથી રક્ષણ આપવું જોઇએ (કલમ ૩૯-એફ)
બંધારણના અસ્તિત્વમાં આવ્યા બાદ ૧૦ વર્ષ સુધીમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન શાસને કરવા જોઇએ (કલમ ૪૫)
બાળ મજૂરી એવી બાબત છે કે જેના માટે બન્ને કેન્દ્ર અને રાજય સરકાર કાયદાઓ ઘડી શકે. બન્ને કક્ષા પર સંખ્યાબંધ કાયદાકિય પહેલો થવી જોઇએ. રાષ્ટ્રીય કક્ષા પર મુખ્યત્વે નીચેના કાયદાઓ ઘડવામાં આવેલ છેઃ
બાળ મજૂરી (મનાઈ અને નિયમન) ધારો/કાયદો, ૧૯૮૬: આ કાયદો ૧૪ વર્ષથી નીચેના બાળકોને ૧૩ વ્યવસાયમાં અને ૫૭ પ્રક્રિયાઓ કે જે બાળકોના જીવન અને આરોગ્ય માટે જોખમરૂપ છે તેમાં બાળકોની રોજગારીની મનાઈ કરે છે.
ફૅક્ટરી એક્ટ ૧૯૪૮: આ કાયદો ૧૪ વર્ષથી નીચેના બાળકોને રોજગારી આપવા બાબત મનાઈ ફરમાવે છે. ૧૫ થી ૧૮ વચ્ચેની ઉંમર ધરાવનાર કિશોરોને તો જ રોજગાર પર રાખી શકાય જો તેને તંદુરસ્તીનું પ્રમાણપત્ર અધિકૃત કરવામાં આવેલ તબીબ દ્વાર આપવામાં આવેલ હોય. કાયદો એ પણ દર્શાવે છે કે ૧૪ થી ૧૮ની વચ્ચેની ઉંમર ધરાવનાર બાળકોના કામનો સમય દરરોજના સાડા ચાર કલાકનો જ હોવો જોઇએ અને તેના રાત્રિ દરમ્યાનના કામ કરવા પર મનાઈ કરવામાં આવે છે.

◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

◆ આભાર ◆

No comments:

Post a Comment