સંકલન :- દિલીપસિંહ ગોહિલ
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ (નેશનલ સાયન્સ અને ટેકનોલોજી કાઉન્સિલ) અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી), ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે ફેબ્રુઆરી ૨૮ના દિવસે ભારતમાં ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરી ૨૮ના દિવસે, સર સી. વી. રામન દ્વારા પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ ૧૯૩૦માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
◆ સી.વી.રામન પરિચય ◆
સી.વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તામિલનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિશાખાપટનમ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસે વોલ્ટેરની કોલેજમાં તેમને સ્થાન મળ્યું અને વિદ્યાર્થી આલમમાં તે ખુબ પ્રિય થઇ પડ્યા. ખગોળશાસ્ત્રમાં પણ તેમને ઊંડો રસ હતો. તેમના ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ.સ. ૧૯૮૩ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યો હતો.
રામન પ્રેસિડન્સી કોલેજ, ચેન્નઈ ખાતે ઇ.સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ.સ. ૧૯૦૪નાં વર્ષમાં એમણે સ્નાતકની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ.સ. ૧૯૦૭નાં વર્ષમાં એમણે વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી ૭૦%થી વધુ ગુણાંક સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકાતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
ડૉ. ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ. ૧૯૨૮ની ૨૮ ફેબ્રુઆરીના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે, સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવ્યું.
★ જીવન પ્રસંગ ★
નોબેલ પારિતોષિક વિજેતા મહાન વૈજ્ઞાનિક સી. વી. રામન એ ૧૯૪૯માં રામન રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરી હતી. આ સંસ્થામાં સાઇન્ટીફીક આસીસ્ટન્ટની ભરતી કરવાની હતી અને તે માટે ઇન્ટરવ્યુ ગોઠવાયા હતા. રામન પોતે જ ઉમેદવારના ઇન્ટરવ્યુ લઇ રહ્યા હતા. ઇન્ટરવ્યુ પુરા કરીને રામન જ્યારે બહાર આવ્યા તો તેણે એક ઉમેદવારને વેઇટીંગરૂમમાં બેઠેલો જોયો. રામને આ ઉમેદવારને રીજેક્ટ કરેલો હતો.
સી.વી. રામન આ પસંદગી નહી પામેલા ઉમેદવાર પાસે ગયા અને એને કહ્યુ , " ભાઇ , મેં ઇન્ટરવ્યુ વખતે જ તને કહ્યુ હતું કે તારુ ભૌતિકશાસ્ત્રનું કોઇ વિશેષ જ્ઞાન નથી માટે હું તને મારી સંસ્થામાં નહી લઇ શકું. તું હજું કેમ અહિયા બેઠો છે ? "પેલા માણસે રામનને કહ્યુ , " સાહેબ , એ મને ખબર છે કે હું આપની સંસ્થા માટે લાયક ઉમેદવાર નથી હું કોઇ વિશેષ ભલામણ કરવા માટે નથી આવ્યો. આપની ઓફીસ દ્વારા મને જે ટ્રાવેલીંગ એલાઉન્સ ચુકવવામાં આવ્યુ છે એ ભુલથી વધુ ચુકવી દીધુ છે માટે હું એ વધારાની રકમ પરત કરવા માટે આવ્યો છું."સી.વી.રામન આ ઉમેદવાર પાસે ગયા. એના ખભા પર પોતાનો હાથ રાખીને એને પોતાની ઓફીસમાં લઇ ગયા અને કહ્યું કે દોસ્ત હુ તને મારી સંસ્થામાં સાઇન્ટીફીક આસીસ્ટન્ટની પોસ્ટ માટે સીલેકટ કરું છું. પેલા ઉમેદવારે કહ્યુ કે સર પણ મારી પાસે ભૌતિકશાસ્ત્રનું પુરૂ જ્ઞાન નથી. એ વખતે રામને હસતા હસતા કહ્યુ ," ભાઇ એ તો હું તને શિખવી શકીશ પણ તારું આ ઉતમ ચારિત્ર્ય તારી સૌથી મોટી લાયકાત છે અને મારા માટે એ જ મહત્વનું છે.”કોઇપણ વિષયના જ્ઞાન કરતા પણ શુધ્ધ ચારિત્ર્ય વધુ મુલ્યવાન હોય છે. ચારિત્ર્ય વગરનું જ્ઞાન હંમેશા પોતાને અને સમાજને બંનેને દુ:ખી કરે! આજકાલ ડીગ્રીઓ બહુ મોટી મોટી થતી જાય છે પણ ચારીત્ર્ય સાવ ખાડે ગયુ હોય એવુ અનુભવાય છે.ડો. સી.વી. રામન માનતા હતા કે વિજ્ઞાન નો ઉપયોગ યુધ્ધ માટે નહીં પરંતુ વિશ્વશાંતિ માટે થવો જોઈએ. દેશની ૧૭ યુનિવર્સિટીઓએ સન્માનનીય ડોક્ટરેટની પદવી પ્રદાન કરી હતી.
● માહિતી સૌજન્ય :- ઈન્ટરનેટ
★ આભાર ★
No comments:
Post a Comment