Monday, February 4, 2019

વિશ્વ કેન્સર દિવસ

સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ...વામૈયા પ્રાથમિક શાળા



વિશ્વના લોકોને કેન્સર વિરુદ્ધ લડાઈ માટે એકઠા કરવા દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. આનો મૂળ ઉદ્દેશ કેન્સર પ્રત્યે જાગૃતા ફેલવવાનો છે. વિશ્વભરમાં સરકારો અને વ્યક્તિઓને સમજાવવા અને દર વર્ષે કેન્સરથી મરતા લાખો લોકોને બચાવવા આ દિવસ મનાવવામાં આવે છે. 1933માં આંતરરાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ સંઘે સ્વિત્ઝરલેન્ડના જિનેવામાં પ્રથમ વખત વિશ્વ કેન્સર દિવસ મનાવ્યો હતો. 

આ સમયે વિશ્વમાં દર વર્ષે કેન્સરને કારણે 76 લાખ લોકોના મોત થાય છે. જેમાં 40 લાખ લોકો સમય પહેલા (30 થી 69 વર્ષ) મૃત્યુ પામે છે. એક અનુમાન અનુસાર 2025 સુધીમાં કેન્સરને કારણે સમયથી પહેલા થતો મૃત્યુ દર વધીને દર વર્ષે 60 લાખ થવાનું અનુમાન છે. 

◆ કેન્સર એટલે શું ? ◆

કેન્સર એ કોઇ એક જ બીમારી નથી પરંતુ તે ઘણી બધી બિમારીઓનો સમૂહ છે. કેન્સર ૧૦૦ કરતાં પણ વધારે પ્રકારનું હોય છે. મોટાભાગના કેન્સરનું નામ કયા અંગ અથવા કયા પ્રકારના કોષથી તેની શરૂઆત થાય છે તેનાં પરથી હોય છે. દા.ત. મોટા આંતરડાના મોટાભાગથી શરૂ થતાં કેન્સરને આંતરડાનું કેન્સર કહે છે અને ચામડીના પાયાના કોષોથી જે કેન્સરની શરૂઆત થઇ હોય તેને ચામડીનું કેન્સર કહેવામાં આવે છે.

કેન્સર શબ્દ એ બીમારી માટે વાપરવામાં આવે છે જેમાં અસામાન્ય કોષોનું અનિયંત્રિતપણે વિભાજન થયા કરે છે અને તે અન્ય પેશીઓ પર હુમલો કરવાને શકિતમાન બને છે. કેન્સરના કોષો લોહી અને લસિકાતંત્ર દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.

◆ કેન્સરના મુખ્ય પ્રકાર ◆

1. કાર્સીનોમા : -
કેન્સર કે જેની શરૂઆત ચામડી અથવા તેના કોષોમાં થાય છે અથવા તે અંદરના અંગોને આવરી લે છે.

2. સાકોમા :-
કેન્સર કે જેની શરૂઆત હાડકાં, કાર્ટિલેજ,ચરબી સ્નાયુ,લોહી નળીઓ અથવા અન્ય જોડતાં અથવા સહાયક કોષોમાં થાય છે.

3. લ્યૂકોમિયા :- 
કેન્સર કે જેની શરૂઆત લોહી બનાવતાં કોષો જેવાં કે બોર્નમેરોથી થાય છે અને તેનાથી મોટી સંખ્યામાં અસામaન્ય લોહીના કોષો પેદા થાય છે અને લોહીમાં પ્રવેશે છે.

4. લીમ્ફોમા અને માઇલોમા :- 
કેન્સર કે જેની શરૂઆત રોગ પ્રતિકારક તંત્રના કોષોમાં થાય છે.

5. સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ કેન્સર :-
કેન્સર કે જેની શરૂઆત મગજ અને કરોડરજ્જુના બારીક કોષોમાં થાય છે.

◆ કેન્સરનું મૂળ ઉદભવસ્થાન ◆

તમામ પ્રકારના કેન્સરની શરૂઆત કોષોથી થાય છે કે જે જીવનનો પાયાનો એકમ છે. કેન્સરને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે જયારે સામાન્ય કોષો કેન્સરના કોષો બની જાય છે ત્યારે શું થાય છે.

આપણું શરીર ઘણાં બધાં કોષોનું બનેલું હોય છે. વધારે કોષોને પેદા કરવા માટે આવા કોષો વૃધ્ધિ પામતાં રહે છે અને તેનું નિયંત્રીતપણે વિભાજન થતું રહે છે કારણ કે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે આમ થવું જરૂરી છે. જયારે કોષો જૂના થઇ જાય અથવા તેને કોઇ જાતની ઈજા પહોંચે ત્યારે આવા કોષો મરી જાય છે અને તેની જગ્યાએ નવા કોષો પેદા થાય છે.

જો કે ઘણીવાર આવી કોષોની વ્યવસ્થિતપણે થતી પ્રક્રિયા ખોટવાઇ જાય છે. જયારે કોષોના જૈવિક તત્વો (ડી.એન.એ)ને કોઈ જાતની ઈજા પહોંચે અથવા તેમાં બદલાવ આવે ત્યારે તે મ્યુટેશન્સ પેદા કરે છે. જેની અસર કોષોની સામાન્ય વૃધ્ધિ અને વિભાજન પર પડે છે. જયારે આવું થાય છે ત્યારે કોષો મરતાં નથી કે જયારે તેમણે મરવું જોઇએ અને તેની જગ્યાએ શરીરને જરૂર નથી હોતી તો પણ નવા કોષો બને છે.આવા વધારાના કોષો મળીને કોષોનો જાળીદાર સમૂહ બનાવે છે જેને ગાંઠ કહેવામાં આવે છે, જો કે બધી જ ગાંઠ કેન્સરની નથી હોતી. આવી ગાંઠ સાદી કે કેન્સરની કોઈપણ હોઈ શકે.

કેન્સર વગરની સાદી ગાંઠ :-
આ કેન્સરની ગાંઠ નથી હોતી. આને ઓપરેશન દ્વારા કઢાવી શકાય છે અને મોટાભાગના કેસમાં તે ફરીથી થતી નથી. આવી સાદી ગાંઠના કોષો શરીરના અન્ય ભાગમાં ફેલાતા નથી.

મલીગન્ટ ટયૂમર ( કેન્સરની ગાંઠ) :-
જે કેન્સરની હોય છે.આવી ગાંઠના કોષો નજીકના કોષોના જાળાં - ટીસ્યુઓ પર હુમલો કરે છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે જયારે કેન્સર શરીરના એક ભાગથી બીજા ભાગમાં ફેલાય છે ત્યારે તેને મેટાસ્ટાટીસ કહેવામાં આવે છે.
લ્યૂકોમિયા: આ બોર્નમેરો અને લોહીમાં થતું કેન્સર છે. તે ગાંઠથી થતું નથી.

◆ કેન્સરના કેટલાંક લક્ષણો ◆

સ્તન અથવા શરીરના અન્ય ભાગમાં ગાંઠ થવી અથવા તે ભાગ જાડો થઇ જવો.
નવા તલ કે મસા થવાં. જે તલ કે મસા શરીર પર હોય તેમાં બદલાવ આવવો.
ગળું બસી જવું અથવા કફ થવો કે જે મટતો ન હોય.
સંડાસ અને પેશાબ કરવાની આદતમાં બદલાવ આવવો.
જમ્યા પછી અસ્વસ્થતા લાગવી.
ખોરાક ગળેથી નીચે ઉતારવામાં ખૂબ તકલીફ થવી.
કોઇપણ જાણીતા કારણ વગર શરીરનું વધવું અથવા ઘટવું.
અસામાન્યપણે લોહીનું પડવું /સ્ત્રાવ નીકળવો.
ખૂબ જ નબળાઇ લાગવી કે થાક લાગવો.
મોટેભાગે આવા લક્ષણો કેન્સરના કારણે થતાં જોવા મળતા નથી. તે સાદી ગાંઠ અથવા અન્ય સમસ્યાને કારણે પણ થઇ શકે છે. આ બાબતે ર્ડાકટર જ ખાતરીપૂર્વક કહી શકે. કોઈપણ વ્યકિતને પોતાના શરીરમાં આવા લક્ષણો દેખાય અથવા તેની તંદુરસ્તીમાં કોઇપણ જાતનો ફેરફાર થયેલો જણાય તો તેણે બને તેટલા વહેલાસર ડૉકટર પાસે જઇ તેનું નિદાન કરાવવું અને તેની સારવાર લેવી . સામાન્ય રીતે શરૂઆતના કેન્સરમાં દુઃખાવો થતો નથી જો તમને તેના લક્ષણો દેખાતા હોય તો તેનો દુઃખાવો થવાની રાહ જોયા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

◆ કેન્સર નિવારણ ◆

કેન્સરથી બચાવ માટે, એ જાણો કે જીવનમાં નાના-નાના બદલાવથી મોટો ફરક લાવી શકીએ છીએ. વાસ્તવિક જીવમાં કેન્સરથી બચવાના સાત પગલા અપનાવો.

1. તમાકુનું સેવન ન કરો :-
કોઇ પણ પ્રકારના તમાકુના સેવનથી તમને કેન્સર થવાનો ભય રહે છે. બીડી કે સિગરેટ પીવાને વિવિધ પ્રકારના કેન્સર સાથે જોડવામાં આવ્યુ છે – ફેફસા, મૂત્રાશય, ગર્ભાશયના મુખ અને મૂત્રપિંડના – અને તમાકુ ચાવવાને મોંઢાના અને સ્વાદુપિંડના કેન્સર સાથે જોડવામાં આવ્યુ છે. તમે તમાકુ ન પણ લેતા હોવ તો પણ, તેનો ધુમાડો લેવાથી તમને ફેફસાના કેન્સરનું જોખમ વધે છે.
તમાકુ ટાળો – કે તમાકુનો વપરાશ બંધ કરો – તે આરોગ્યને લગતો સૌથી મહત્વનો નિર્ણય હોઇ શકે. તે કેન્સર ટાળવાનો પણ મહત્વનો નિર્ણય હોઇ શકે. જો તમાકુ છોડવામાં તમને મદદની જરૂર હોય તો, ડોક્ટરનો સ્ટોપ-સ્મોકિંગ ઉત્પાદનો અને તે છોડવા માટેના અન્ય પગલા વિશે માહિતી લેવા સંપર્ક કરો. 

2. સ્વાસ્થ્યપૂર્ણ ખોરાક ખાઓ :-
કરિયાણાની ખરીદી અને ભોજન સમયે સ્વાસ્થ્યપ્રદ પસંદગી કરવાથી કેન્સરની સંપૂર્ણ રીતે બચી શકાતુ નથી, પણ તેનું જોખમ ઘટાડવામાં ચોક્કસ મદદ મળે છે.
નીચેના સૂચનો ધ્યાનમાં રાખો :-
લીલી શાકભાજી અને ફળો મોટા પ્રમાણમાં આરોગો: તમારા ખોરાકનો આધાર ફળો, લીલી શાકભાજી અને છોડ ઉત્પાદિત સ્રોતો હોય તે જુઓ – જેમ કે આખું અનાજ, બીજ.
ચરબી મર્યાદમાં લો: ખૂબ જ ઓછા વધુ ચરબી ધરાવતા ખોરાકની પસંદગી દ્વારા હળવો ખોરાક લો, ખાસ કરીને પ્રાણીઓમાંથી મળતા. વધુ ચરબી ધરાવતા ખોરાક વધુ કેલરી ધરાવે છે અને મેદસ્વીપણાનું જોખમ વધારે છે – જેના પરિણામે કેન્સરની શક્યતા વધે છે.

3. દારૂ પીવાનું પસંદ કરો છો તો મર્યાદિત માત્રામાં લો :-
વિવિધ પ્રકારના કેન્સરના જોખમો – સ્તર, ફેફસા, મૂત્રપિંડ અને પિત્તાશયના કેન્સરનો સમાવેશ થાય છે – તમે જેટલુ દારૂ પીવો અને જેટલા સમયથી પીવો તથા તેની નિયમિતતાના આધારે વધે છે.

4. સ્વસ્થ વજન જાળવો અને તમારી દૈનિક જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિ કરો :-
સ્વસ્થ વજન જાળવી રાખવાથી વિવિધ પ્રકારના કેન્સરનું જોખમ ઘટે છે, જેમાં, સ્તન, પ્રોસ્ટેટ, ફેફસા, કોલોન અને મૂત્રપિંડના કેન્સરનો સમાવેશ થાય છે. શારીરિક પ્રવૃત્તિઓની પણ ગણતરી થાય છે. વધુમાં તે વજન કાબુમાં રાખવામાં મદદરૂપ થાય છે, શારીરિક પ્રવૃત્તિ કરવાથી સ્તનના કેન્સર અને કોલોનના કેન્સરનું જોખમ પણ ઘટે છે.

5. શારીરિક પ્રવૃત્તિ કરો :-
સામાન્ય ધ્યેય તરીકે, દિવસ દરમિયાન ઓછામાં ઓછી 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરો.જો તમે વધુ કરી શકો તો વધુ સારુ. ફીટનેસ ક્લાસ, મનપસંદ રમત રમવાની ફરીથી શરૂ કરો અને મિત્રોને ચાલવા માટે પાર્કમાં મળો.

6. તમારી જાતને સૂર્યથી બચાવો :-
ચામડીનું કેન્સર સૌથી વ્યાપક રીતે જોવા મળતા કેન્સરમાંથી એક છે, અને સૌથી બચી શકાય તેવુ પણ.નીચેના પગલા લો.
બપોરના તડકાને ટાળો :-
સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીના તડકાને ટાળો, જ્યારે સૂર્યના કિરણો ખૂબ જ તીવ્ર હોય.
છાયામાં રહો :-
જ્યારે તમે બહાર હોવ ત્યારે, શેડમાં છાયામાં રહો. સનગ્લાસ અને લાંબી ટોપી પહેરો.
ખુલ્લા રહેતા અંગો ઢાંકો :-
ચુસ્ત રીતે વણેલા કપડા પહેરો, વધુ ચામડી ઢાંકેલી રહે તે પ્રકારના કપડા પહેરો. ઉજળા અને ઘાટા રંગના કપડા પહેરો, જેમાં પેસ્ટલ કે બ્લિચ્ડ કોટન કરતા વધારે અલ્ટ્રાવાયોલટ કિરણો પાછા જાય.
સનસ્ક્રીન લગાવાનું ન ભૂલવું :-
યોગ્ય માત્રમાં સનસ્ક્રીન વાપરો, જ્યારે જ્યારે તમે બહાર હોવ અને તેને વારંવાર લગાવતા રહો.

7. રસીકરણ :-
કેન્સરના બચાવમાં કેટલાક વાઇરલ ચેપોથી બચવાનો પણ સમાવેશ થાય છે. ડોક્ટર સાથે નીચેના રસીકરણ વિશે વાત કરો.

હેપેટાઇટીઝ બી :-
હેપેટાઇટીઝ બીથી તમને પિત્તાશયના કેન્સરનુ જોખમ રહે છે. હેપેટાઇટીઝ બીની રસી સામાન્ય રીતે નવજાતને આપવામાં આવે છે. તે કેટલાક વધુ જોખમ ધરાવતા પુખ્ત વયના લોકોને પણ સૂચવવામાં આવે છે જેમકે વ્યક્તિ જે જાતીય રીતે સક્રિય છે અને એકથી વધુ વ્યક્તિ સાથે સબંધ ધરાવે છે, પુરુષ જે પુરુષ સાથે જાતીય સબંધ ધરાવે છે, તેમજ આરોગ્ય અને જાહેર સેવક જે ચેપી રોગ અને પ્રવાહી સાથે સંપર્કમાં આવે છે.
હ્યુમન પેપિલોમ વાઇરસ (એચપીવી): એચપીવી એ જાતીય રીતે ફેલાતો વાઇરસ છે જે સર્વિકલ (ગર્ભાશયના મુખના) કેન્સર માટે કારણરૂપ છે. એચપીવી રસી બંને પુરુષ અને મહિલા, 26 વર્ષ કે તેથી નાની ઉંમર ધરાવતા માટે કિશોર વ્યક્તિઓ માટે છે જેમણે પહેલા આ રસી લીધી ન હોય.

8. જોખમી વર્તન ટાળો :-
કેન્સર ટાળવા માટે અન્ય એક બચાવ છે જોખમી વર્તન ટાળવુ. જેના કારણે ચેપનું જોખમ રહે અને જે કેન્સરનું જોખમ વધારે. ઉદાહરણ તરીકે,
સલામત જાતીય સબંધ બાંધો :-
તમારા જાતીય સાથીઓની સંખ્યા મર્યાદિત રાખો અને જાતીય સંબંધ બાંધતી વખતે નિરોધનો ઉપયોગ કરો. તમારા જીવનકાળમાં જેટલા વધારે જાતીય સાથીદારો, તેટલી વધુ જાતીય રોગોની શક્યતા – જેવા કે એચઆઇવી કે એચપીવી. જે વ્યક્તિઓને એચઆઇવી કે એઇડ્સ હોય તેમને ગુદા, ગર્ભાશયના મુખ, ફેફસા અને રોગપ્રતિકારક શક્તિના કેન્સરનું વધુ જોખમ રહેતુ હોય છે. એચપીવી એ ગર્ભાશયના મુખ સાથેના કેન્સર સાથે સૌથી વધુ જોડવામાં આવેલ છે, પણ તેનાથી, ગુદા, શિશ્ન, ગળા, વુલ્વા અને યોનિનું કેન્સર પણ થઇ શકે છે.
એક સોય ન વાપરો :-
ચેપી ડ્રગ લેનાર સાથે સોય વાપરવાથી પણ એચઆઇવી થઈ શકે છે, અને હેપેટાઇટીઝ બી અને હેપેટાઇટીઝ સીનું પણ – જે પિત્તાશયના કેન્સરની પણ શક્યતાઓ વધારે છે. જો તમે ડ્રગ લેતા હોવ કે કોઇ નશો કરતા હોવ તો વ્યાવસાયિક મદદ લો.

9. વહેલા નિદાનને ગંભીરતાથી લો :-
નિયમિત જાત તપાસ અને વ્યાવસાયિક તપાસ વિવિધ પ્રકારના કેન્સર જેવા કે ચામડી, કોલોન, પ્રોસ્ટેટ, ગર્ભાશયના મુખ અને સ્તન – દ્વારા કેન્સરનું જલદી નિદાન થઇ શકે છે, જ્યારે સારવારની સફળતાની વધુ શક્યતા હોય છે. તમારા ડોક્ટરને કેન્સરની તપાસ માટે કહો.

કેન્સરથી બચવાનું બીડુ ઝડપો, અને આજથી જ શરૂઆત કરો. આના ફળો જીવનભર મળશે.

કેન્સર વિશે જાગૃતા વધારવા અને તેના નિવારણ, નિદાન અને સારવારને પ્રોત્સાહિત કરવા માટે 4 ફેબ્રુઆરીના દિવસેને વિશ્વ કેન્સર દિવસ તરિકે ઉજવવામા આવે છે. 



◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

◆ આભાર ◆

No comments:

Post a Comment