સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ...વામૈયા પ્રાથમિક શાળા
સત્યેન્દ્રનાથ બોઝ (૧૮૯૪-૧૯૭૪) ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો. તેમના માનમાં મૂળભૂત કણોના એક પ્રકારના સમૂહને બોઝૉન અથવા બોઝકણ તરીકે ઓળખવામાં આવે છે. આ બોઝૉન કણો માટે તેમણે જે નિયમ શોધ્યો તેને બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.
★ જીવન પરિચય ★
બોઝનો જન્મ કલકત્તા ખાતે ૧ જાન્યુઆરી ૧૮૯૪ના રોજ થયો હતો. તેમના પિતા સુરેન્દ્રનાથ રેલવેમાં ઉચ્ચ અધિકારી હોવાથી તેમનુ બાળપણ અને અભ્યાસકાળ સુવિધાપૂર્ણ રહ્યાં હતાં. કલકત્તાની હિન્દુ સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો હતો. આ શાળાના શિક્ષકે આગાહી કરી હતી કે બોઝ મહાન ગણિતજ્ઞ બનશે. આ શિક્ષકે બોઝને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ આપ્યા હતા, કારણ કે તેમણે બધા જ દાખલા બેથી ત્રણ રીતે સાચા ગણ્યા હતા. શાળાનુ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ૧૯૦૯માં તેઓ કલકત્તાની પ્રેસીડન્સી કોલેજમાં દાખલ થયા જ્યાં ૧૯૧૫માં તેઓ વિજ્ઞાનના અનુસ્નાતક થયા અને ત્યારબાદ ૧૯૧૬માં કલકત્તા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. અહીં અનુસ્નાતક કક્ષાએ તેઓ ગણિત અને ભૌતિકવિજ્ઞાન ભણાવતા હતા. સમગ્ર ભારતમાં સૌપ્રથમ વાર આધુનિક ગણિતનો વિષય અહીં શરૂ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન આઇન્સ્ટાઇને સાપેક્ષવાદ ઉપર જર્મન ભાષામાં કેટલાક લેખો પ્રસિદ્ધ કર્યા હતા. આઇન્સ્ટાઇનની મંજૂરી સાથે બોઝે આ લેખોનો અંગ્રેજીમાં અનુવાદ કરી તેનુ પુસ્તક પ્રગટ કર્યું હતું. ૧૯૨૧માં કલકત્તા યુનિવર્સિટી છોડી તેઓ ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે જોડાયા હતા.૧૯૨૪માં બોઝ અભ્યાસાર્થે પેરિસ ગયા જ્યાં તેમણે માદામ ક્યૂરી, લુઈ દ બ્રોગ્લી અને અન્ય વૈજ્ઞાનિકો સાથે સંશોધન કાર્ય કર્યુ. ૧૯૨૫-૨૬ દરમિયાન તેમણે થર્મલ ઇક્વિલિબ્રિયમ ઇન ધ રેડિયેશન ફીલ્ડ ઇન પ્રેઝન્સ ઓફ મેટર નામનો લેખ તૈયાર કર્યો જેનો આઇન્સ્ટાઇને જર્મન ભાષામાં અનુવાદ કરીને પ્રસિદ્ધ કર્યો હતો.
૧૦ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ કલકત્તામાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓ મળ્યા અને સૌએ બોઝના ક્વૉન્ટમ સિદ્ધાંતની સુવર્ણજયંતી ઉજવીને તેમને મુબારકબાદી આપી. તે પછીના થોડાક જ દિવસ બાદ ૪ ફેબ્રુઆરી ૧૯૭૪ના રોજ તેમનુ અવસાન થયું હતું.
★ સંશોધન ★
બંધ પ્રણાલી જ્યારે અચળ તાપમાને હોય ત્યારે તે જુદી જુદી આવૃત્તિઓની વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. આ ઊર્જા માટે મેક્સ પ્લાંકે જે સૂત્ર આપ્યું હતું તે બોઝે પોતાની રીતે તારવ્યું અને લેખ તૈયાર કર્યો. બ્રિટિશ સામાયિકના તંત્રી ઑલિવર લૉજે આ લેખ અસ્વિકૃત કર્યો. આથી બોઝે આ લેખ આઇન્સ્ટાઇનને મોકલી આપ્યો. આઇનસ્ટાઇને આ લેખને અમૂલ્ય અને સિમા-ચિહ્નરૂપ ગણાવ્યો હતો. આ લેખમાં બોઝે કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણને ફોટૉન વાયુ તરીકે ઓળખાવ્યું હતું. આ સંશોધન દ્વાર સાબિત થતું હતું કે ફોટૉન એ કણ છે અને આ પ્રકારના સમાન કણો માટે અલગ સાંખ્ય-યાંત્રિકી (statistics) લાગું પડે છે. બોઝ દ્વારા તૈયાર કરેલ આ સિદ્ધાંતનું આઇન્સ્ટાઇને વિસ્તરણ કર્યું, જે પાછળથી બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર તરીકે ઓળખાયો.
★ પુરસ્કાર ★
બોઝના બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર અને એકીકૃત ક્ષેત્રસિદ્ધાંત વિષયે કરેલા પ્રદાન માટે કે. બેનરજી (૧૯૫૬), ડી. એસ. કોઠારી (૧૯૫૯), એસ. એસન. બાગ્ચી (૧૯૬૨) અને એ. કે. દત્તા (૧૯૬૨)માં ભૌતિક વિજ્ઞાનના નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવેલા. એમનું કાર્ય નોબેલ સમિતિએ ચકાસેલું પણ પુરસ્કાર યોગ્ય ગણ્યું ન હતું.
No comments:
Post a Comment