Sunday, November 18, 2018

તુલસી વિવાહ

◆ તુલસી વિવાહ ◆

સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ... વામૈયા પ્રાથમિક શાળા


શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. 

પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે છે. 

કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ ઉત્તર ભારતમાં આનું વિશેષ મહત્વ છે. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. આમ તો તુલસી વિવાહને માટે કાર્તિક શુક્લ નવમીની તિથિ યોગ્ય છે. પરંતુ કેટલાક લોકો અગિયારસથી પૂનમ સુધી તુલસી પૂજન કરીને પાંચમાં દિવસે તુલસીનું લગ્ન કરે છે. તુલસી વિવાહની આ પધ્ધતિ સૌથી વધુ પ્રખ્યાત છે. 

◆ પૌરાણિક કથા ◆

પૌરાણિક માન્યતા અનુસાર , રાક્ષસના કુલમાં એક કન્યા નો જન્મ થાય છે એનું નામ વૃંદા રાખવામાં આવે છે.વૃંદા બાળપણ થી જ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી અને હંમેશા તેમની ભક્તિમાં લીન રહેતી હતી.જ્યારે વૃંદા લગ્ન માટે લાયક બની ત્યારે તેમના માતા-પિતા એ તેમના વિવાહ સમુદ્ર મંથન માંથી ઉત્પન્ન થયેલા જલંધર નામના રાક્ષસ સાથે કરી દીધા.વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત સાથે એક ધાર્મિક સ્ત્રી પણ હતી, જેના કારણે તેના પતિ જલંધર વધુ શક્તિશાળી બન્યા હતા.

જલંધર જયારે પણ યુદ્ધ પર જતો ત્યારે વૃંદા પૂજા અર્ચના કરતી,વૃંદા ની ભક્તિને કારણે કોઈ પણ જલંદરને મારી શકતું ન હતું.જાલંધરે દેવતાઓ પર યુદ્ધ કર્યું, બધાજ દેવતાઓ જાલંધન ને મારવામાં અસમર્થ સાબિત થઇ રહ્યા હતા. જાલંધરે બધા દેવતાઓને હરાવી નાખ્યા હતા, પછી બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુ જોડે જાય છે અને જાલંધન નામના રાક્ષસ નો આતંક સમાપ્ત કરવા માટે પ્રાર્થના કરવા લાગે છે.

પછી ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું સ્વરૂપ ધારણ કર્યું અને વૃંદાના પતિવ્રત ધર્મ ને નષ્ટ કર્યું. આનાથી જલંધરની શક્તિ નબળી પડી અને તે યુદ્ધમાં માર્યો ગયો.જ્યારે ભગવાન વિષ્ણુની યુક્તિ વિષે વૃંદાને ખબર પડી, ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને એક પથ્થર બનવા માટે શ્રાપ આપ્યો.

ભગવાન વિષ્ણુને પથ્થર ના બનેલા જોઈ બધા દેવી-દેવતાઓ માં હાહાકાર મચી ગયો, પછી માતા લક્ષ્મી એ વૃંદા ને પ્રાર્થના કરી ત્યારે વૃંદા એ જગત ના કલ્યાણ માટે પોતાનો આપેલો શ્રાપ પાછો લઇ લીધો અને પછી પોતે જાલંધરની સાથે સતી થઇ ગઈ પછી એમના શરીર ની રાખ માંથી એક નાનું વૃક્ષ પ્રગટ થયું જેને ભગવાન વિષ્ણુ એ તુલસી નામ આપ્યું અને ભગવાન વિષ્ણુ એ કહ્યું કે આજથી હું તુલસી વગર પ્રસાદ ગ્રહણ નઈ કરું અને આ પથ્થર ને શાલિગ્રામ ના નામે થી તુલસી જી ની સાથે જ પૂજવામાં આવશે.કાર્તિક મહિનામાં તો તુલસીજી ના શાલિગ્રામ સાથે વિવાહ પણ કરવામાં આવે છે.

◆ તુલસી વિવાહ કેવી રીતે કરશો ?

ત્રણ મહિના પહેલાથી તુલસીના છોડને નિયમિત સીંચો અને તેનું પૂજન કરો. 

પ્રબોધિનિ, ભીષ્મપંચક અથવા જ્યોતિ શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરો. 
ત્યાર પછી ચાર બ્રાહ્મણો દ્વારા ગણપતિ-માતૃકા પૂજન અને પુળ્યાવાચન કરાવો. 
ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ તરફ મોઢુ રાખીને બેસાડવાં. 
ગોધુલી(સાંજના) સમયમાં વર(ભગવાન)નું પૂજન કરવું 
ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા(તુલસી)નું દાન કરો.
ત્યારબાદ કુશકંડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવો. 
પછી વસ્ત્ર, ઘરેણા વગેરે આપો. 
ત્યારપછી શક્તિ મુજબ બ્રાહ્મણ-ભોજ કરાવો અને પછી પોતે ભોજન કરો. 
છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરો. 

ભારતમાં હિન્દુ સમાજમાં તુલસી વિવાહ બાદ જ લગ્નમૌસમ શરૂ થાય છે. 

◆ તુલસીનું મહત્વ ◆


તુલસી એક સાધારણ છોડ જરૂર છે, પરંતુ ભારતના લોકો માટે તે ગંગા-જમના જેવી પવિત્ર છે. 
પૂજા સામગ્રીમાં તુલસીપત્ર જરૂરી સમજવામાં આવે છે. કહેવાય છે કે આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ નથી ગ્રહણ કરતાં. 
નવમી, દશમીએ વ્રત અને પૂજન કરી બીજા દિવસે તુલસીના છોડને કોઈ બ્રાહ્મણને આપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. 
સ્નાન કર્યા પછી દરરોજ તુલસીના છોડને પાણી આપવું સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે.
તુલસીના કારણે આસપાસના વાતાવરણની હવા શુધ્ધ થઈ જાય છે. 
તુલસીના પાનનું અર્ક કેટલીય બીમારીયો દૂર કરે છે.


◆ આભાર ◆


No comments:

Post a Comment